NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 8 ના 3 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 8 - માનવ સ્વાસ્થ્ય અને રોગો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 4 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. કેન્સર ની ચકાસણી અને નીદાન સમજાવો
- કેન્સર સમયસર વહેલાં ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે કારણ કે, તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર ક્ય બન્યો છે.
- કેન્સરની ચકાસણી પેશીના બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજિકલ અભ્યાસને આધારે થઈ શકે છે, જ્યારે લ્યુકેમિયા (રુધિરનું કેન્સર) જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને ધ્યાનમાં લેવામાં આવે છે.
- બાયોપ્સીમાં, સંભવિત પેશીનો એક ટુકડો લઈ, તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજિસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે.
- શરીરનાં આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી (X- કિરણોનો ઉપયોગ), CT (computed tomography), અને MRI (magnetic resonance imaging) જેવી તકનીક નો ઉપયોગ કરવામાં આવે છે.
- કોમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં X- કિરણોનો ઉપયોગ કરી કોઈ એક અવયવની આંતરિક રચનાનું ત્રિપારિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે.
- MRI માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિનઆયોનિક કિરણો વપરાય, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજિકલ અને દેહધાર્મિક ફેરફારો જાણી શકાય છે.
- કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન સામે પ્રતિદ્રવ્યો નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણ્વિય જીવવિજ્ઞાનની તકનીકનો ઉપયોગ કરી જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે.
- આ જનીનોની ઓળખ, કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત્ક કરી શકે છે અને કેન્સરને અવરોધવા / અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે.
- એવી વ્યક્તિઓ જેમને કેટલાક કૅન્સરજનની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના છે તેવી વ્યક્તિઓને તેમનાથી દૂર જ રહેવું સલાહભર્યું છે (દા.ત. , તમાકુના ધુમાડાથી થતું ફેફસાંનું કૅન્સર).
2. લસિકા અંગો વિશે નોંધ લખો
- લસિકા અંગો આ એવાં અંગો છે જયાં લસિકા કણોનું સર્જન અને / કે પરિપક્વન તથા વિભેદીકરણ થાય છે.
- પ્રાથમિક લસિકા અંગોમાં અસ્થિમજ્જા અને થાયમસ નો સમાવેશ થાય છે. જયાં અપરિપક્વ લસિકા કણો, ઍન્ટીજન સંવેદી લસિકા કણોમાં વિભેદિત થાય છે. પરિપક્વ બન્યા પછી લસિકા કણો દ્વિતીય લસિકા અંગો જેવાં કે બરોળ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ (નાના આંતરડાની દીવાલમાં લસિકાપેશીઓનો વિસ્તાર કે જે આંતરડામાં રહેલા પ્રતિજન સામે પ્રતિકાર કરવાની ક્ષમતા સાથે સંકળાયેલ છે) અને આંત્રપૂચ્છમાં સ્થળાંતરિત થાય છે.
- દ્વિતીય લસિકા અંગો લસિકા કણોને ઍન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રક્રિયા પછી અસરકારક કોષ તરીકે તેને ઓળખ પૂરી પાડે છે.
- અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જેમાં લસિકાકણો કે લસિકાકોષો સહિત બધા રુધિર કોષો સર્જાય છે. થાયમસ એ ખંડમય અંગ છે, જે હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે ગોઠવાયેલ છે.
- થાયમસ ગ્રંથિનું કદ જન્મસમયે મોટું હોય છે, પરંતુ ઉંમર વધવાની સાથે તે નાની થતી જાય છે અને કિશોરાવસ્થાએ તે ખૂબ નાના કદની બને છે. થાયમસ અને અસ્થિમજ્જા બંને T- લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મપર્યાવરણ પૂરું પાડે છે.
- બરોળ વટાણાના મોટા દાણા જેવું અંગ છે. તે મુખ્યત્વે લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. તે રુધિરમાં સર્જાયેલ સૂક્ષ્મ જીવોને જકડી રાખી રુધિરના ગાળણનું પણ કાર્ય કરે છે.
- બરોળ ઈરિથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે. લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે.
- લસિકાગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય ઍન્ટીજનોને જકડી રાખે છે.
- લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે.
- શ્વસનમાર્ગ, પાચનમાર્ગ અને મૂત્રજનનમાર્ગ જેવા અગત્યના માર્ગોના અસ્તર માં લસિકાપેશી આવેલ છે.
- જેને શ્લેષ્મ સંકલિત લસિકા પેશી કહે છે. તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું 50 % જેટલું પ્રમાણ ધરાવે છે.
3. સમજાવો એલર્જી
- તમારી સાથે આવું ઘણી વાર બન્યું હશે, જયારે તમે કોઈ નવી જગ્યાએ ગયાં હશો અને અચાનક કોઈ પણ કારણ વગર છીંક, કફને લીધે ગળામાં સસણી બોલવી વગેરે જેવા અનુભવો થયા હશે અને જેવા તમે એ સ્થાનેથી દૂર જાઓ છો, તો આ લક્ષણ ગાયબ થઈ જાય છે. આપણામાંના કેટલાક પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક કણો પ્રત્યે સંવેદનશીલ હોય છે.
- ઉપર્યુક્ત પ્રતિક્રિયા પરાગરજ, જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થાય છે. જે અલગ - અલગ સ્થાનોએ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકાર તંત્ર દ્વારા અપાતા વધુપડતા પ્રતિચારને એલર્જી કહે છે.
- એવા પદાર્થો, જેમના પ્રત્યે આવો પ્રતિચાર સર્જાય છે તેમને એલર્જી પ્રેરકો કહેવાય છે. તેમના માટે સર્જાતાં ઍન્ટીબોડી IgE પ્રકારના હોય છે.
- એલર્જન્સનાં સામાન્ય ઉદાહરણો – ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, પ્રાણીઓનો ખોડો વગેરે છે. એલર્જીનાં લક્ષણોમાં - છીંક, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરેનો સમાવેશ છે. એલર્જી થવાનું કારણ માસ્ટ કોષોમાંથી સવતા હિસ્ટેમાઇન અને સેરોટોનીન રસાયણો છે.
- એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને સંભવિત એલર્જન્સના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા એલર્જન્સની થોડી માત્રા શરીરમાં દાખલ કરવામાં આવે છે અને પ્રતિક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે.
- ઍન્ટી - હિસ્ટેમાઈન, એડ્રિનાલીન અને સ્ટેરોઇડ જેવા ઔષધો. દ્વારા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડી શકાય છે.
- પરંતુ, આધુનિક જીવનશૈલીના ફળસ્વરૂપ લોકોમાં પ્રતિકારકતા ઘટી છે અને એલર્જન્સ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે.
- ભારતનાં મોટાં શહેરોમાં મોટા ભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે તેઓ એલર્જી અને અસ્થમા (દમ) નો શિકાર બની રહ્યાં છે. આનું કારણ, બાળકના જીવનની શરૂઆતથી જ તેઓને વધુપડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવું તે છે.
4. બાહ્ય કારકો સામે વિવિધ પ્રકારના અંતરાયો ના નામ આપી સમજાવો
- જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ રક્ષણ છે, જે જન્મસમયે હાજર જ હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો ( અંતરાયો ) સર્જાવાથી પણ થાય છે. આ પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે.
- શારીરિક અંતરાય ( Physical barriers ) - આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે.
- શ્વસન માર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષમા આવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે.
- દેહધાર્મિક અંતરાય : જઠરમાંના અમ્લ મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
- કોષાંતરીય અંતરાય : આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો ( WBCS ) જેવાં કે બહુરૂપી કેન્દ્રીય શ્વેતસર્ગિ અને એકકેન્દ્રીય કણો તેમજ રુધિરમાં રહેલા લસિકાકોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો ઉપરાંત પેશીઓમાં બૃહદ્ કોષોનું એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે.
- કોષરસીય અંતરાય : વાઇરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box